૨૦ – ૪૫’  ઉત્તર અક્ષાંશ  અને ૭૨-૫૫’ પૂર્વ  રેખાંશ ઉપર દરિયા કિનારાની નજીક  વસેલું બીલીમોરા શહેર સમશીતોષ્ણ  ઉષ્ણતામાન ધરાવે છે. જેની  ઉત્તરથી પશ્ચિમે અંબિકા નદી અને પૂર્વથી દક્ષિણે  કાવેરી તેમજ ખરેરા નદી આવેલી છે. વાહનવ્યવહારની કરોડરજ્જુ  સમાન વેસ્ટર્ન  રેલ્વે જંક્શન બ્રોડગેજ લાઈન ઉપર  અમદાવાદથી ૨૮૦ કી.મી. અને મુંબઈથી ૧૬૮ કી.મી ના અંતરે આવેલા બીલીમોરાથી પૂર્વે ૧૦ કી.મી. અંતરેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે તથા બીલીમોરા - અમલસાડ – નવસારી સુધી કોસ્ટલ હાઇવે થી જોડાયેલ છે. ડાંગના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું બીલીમોરા શહેર નેરોગેજ રેલ્વે દ્વારા વઘઇ સુધી જોડાયેલ છે અને ત્યાંથી હીલસ્ટેશન સાપુતારા પણ જઇ શકાય છે. અગાઉ બીલીમોરા શહેર નાના-મોટા ઉદ્યોગોના વિકાસને કારણે મીની જાપાન તરીકે ઓળખાતુ હતું. સુપ્રસિધ્ધ  પ્રાચીન સોમનાથ મંદિરના લીધે યાત્રાધામ તરીકે પણ ઓળખાય છે. જ્યાં શ્રાવણ માસમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લાખ્ખોની સંખ્યામાં  શ્રધ્ધ્ધાળુઓ શિવજીના દર્શન અર્થે ઉમટી પડે છે. જ્યાં તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે.