“બીલીમોરા” શબ્દ બે નાનકડા શબ્દોના જોડાણ વડે બનેલો શબ્દ છે. બીલી નામનું પહેલા નાનકડું ગામડું હતું. જ્યા તે જમાનામાં બીલીના વૃક્ષોનાં ઝુંડ હતા. એ બીલી વૃક્ષો ઉપરથી “બીલી” નામનો વિસ્તાર તે વખતે ઓળખાતો. હજી આજે પણ “બીલી” નો વિસ્તાર જાણીતો છે જ. આ વિસ્તાર આજના શહેરના ઉત્તર ભાગમાં આવ્યો છે. “મો રા” શબ્દ ટેકરાવાળી જગ્યાનો નિર્દેશ કરે છે. “મોરો” એટલે જ ટેકરો. “મોરા” વાળો વિસ્તાર એટલે આજના બીલીમોરાનું બજાર. બીલીમોરા એટલે ટેકરી ઉપર અથવા ઉચાણવાળી જગ્યા ઉપર વસેલુ નાનકડું નગર. બીલીમોરા શહેરમાં ફરતા આવા ટેકરા ચાર- પાંચ જગ્યાએ જોવા મળે છે. જેમકે, ધોબીતળાવ પર જતાં ઢોળાવ આવે છે. વાંકા મહોલ્લાથી સ્ટેશન ઉપર જતાં ઢોળાવ આવે છે. પાછલા કુંભારવાડ થી બાંગીયા ફળીયા જતાં ઢોળાવ આવે છે. આમ, બીલીમોરા ટેકરીઓ ઉપર વસેલું નાનકડું સુંદર નગર છે.   
ચારસો વર્ષ પૂર્વે આ ગામમાં કોઇ વસતિ ન હતી, પરંતુ ગાઢ જંગલો હતા. એટલે ખરેખર આ ગામ કોણે જસાવ્યું હતું તે વિષે આધરભૂત માહિતી મળતી નથી. છતાં એટલું કહી શકાય કે આ ગામમાં પહેલ-વહેલાં કેટલાક પારસી કુટુંબોએ વસવાટ કર્યો હતો.
બીલીમોરામાં પારસીઓનો વસવાટ :-
ઇ.સ.ના અગિયારમાં સૈકામાં કેટલાંક પારસી કુટુંબો સંજાણ છોડી નવસારી, ખંભાત,અંકલેશ્વર, ભરૂચ અને સુરત પાસેનાં વરીયાવ ગામે આવીને વસ્યા હતા. કેટલાક પારસીઓ ત્યારે બીલીમોરાની પાસે આવેલા નળોદ –બીગરી જેવાં ગામોમાં પણ વસ્યા હતા. ઇ.સ.ના પંદરમાં સૈકામાં કટલાક જરથોસ્તીઓ (પારસીઓ) નળોદ-બીગરીથી બીલીમોરા અંબિકા નદી કાંઠે બંદર ઉપર જ્યાં ચોતરો આવેલો છે તેની સામે કેટલીક વખારો હતી ત્યાં પહેલ- વહેલાં બરજોરજી લીમવાળાના વડવાઓ વસ્યા હતા.

        ઇ.સ. ૧૫૨૬ ના અરસામાં જ્યારે દિલ્હીમાં મોગલ સલ્તનત સત્તા સ્થાને હતી ત્યારે સમગ્ર ગુજરાતમાં મોગલ શાસન ચાલતું હતું. બીલીમોરા પણ મોગલાઇને તાબે હતું, એ સમયે પારસી કુટુંબોના વસવાટ થી “મોરા” ની ઉજ્જ્ડ અને વેરાન ભૂમિનો ધીમે ધીમે વિકાસ શરૂ થયો હતો. બીલીમોરા શહેરનાં વિકાસમાં પહેલ-વહેલો કોઇ લત્તો ધંધો ઉદ્યોગથી વિકસતો થયો હોય તો તે હતો બંદર મહોલ્લો કે જ્યાં પારસીઓનાં ઘણાં મકાનો બંધાયા હતા, બીલીમોરા બંદરે પણ વહાણોની અવર-જવર સારી હતી.